અમેરિકામાં વસતા પ્રવાસીઓમાં ભારતીયો બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. આશરે 34 કરોડની વસતી ધરાવતા અમેરિકામાં ભારતીયોની વસતી 44 લાખથી પણ વધુ છે. વળી, ભારતીયો અહીં સૌથી ઝડપથી વધતો પ્રવાસી સમાજ પણ છે. એટલે અમેરિકામાં ભારતીયોને વિશેષ મહત્ત્વ પણ અપાય છે. અમેરિકા ભારતીયોની જરૂરિયાતોનું પણ પોતાના નાગરિકો જેવું જ ધ્યાન રાખે છે. આશરે અડધો નિયમો-કાયદા આ વાતનો પુરાવો છે, જે અમેરિકાએ ભારતીયો અને દક્ષિણ એશિયાઇ લોકો માટે બનાવ્યા છે.
અમેરિકાએ હાલમાં જ દક્ષિણ એશિયાઈ હાર્ટ હેલ્થ અવેરનેસ એન્ડ રિસર્ચ બિલ 2022 પસાર કર્યું છે. તેથી અહીં આરોગ્ય વિભાગ ભારતીયોમાં હૃદયને લગતા રોગો માટે જાગૃતિ કાર્યક્રમ ચલાવી શકશે. બે ડઝનથી વધુ રાજ્યે અમેરિકાના ઈતિહાસમાં ભારતીયોના યોગદાનના પાઠ સ્કૂલ અભ્યાસક્રમમાં ફરજિયાત સામેલ કરવાનું બિલ પસાર કર્યું છે. અમેરિકન સરકારે વૉશિંગ્ટનમાં ભારતીયોના યોગદાનને સમર્પિત સંગ્રહાલય બનાવવાની શક્યતા તપાસવા પણ બિલ પસાર કર્યું છે.