શહેરની ભાગોળે જૂના માર્કેટિંગયાર્ડ નજીક રવિવારે સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં સાઇકલચાલક પ્રૌઢનું મોત નીપજ્યું હતું. ભારે વાહનના ચાલકે હોર્ન વગાડતાં ગભરાઇ ગયેલા રિક્ષાચાલકે સાઇકલ ઉલાળી હતી અને સાઇકલચાલક પ્રૌઢનું મૃત્યુ થયું હતું. માર્કેટિંગયાર્ડ પાસેની માલધારી સોસાયટીમાં રહેતા રમેશભાઇ નાથાભાઇ જાંબુડિયા (ઉ.વ.65) રવિવારે સવારે 11 વાગ્યાના અરસામાં સાઇકલ ચલાવીને માર્કેટિંગયાર્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે પાછળથી ધસી આવેલી રિક્ષાએ સાઇકલને ઉલાળી હતી. અકસ્માતમાં રિક્ષાચાલકે પણ કાબૂ ગુમાવ્યો હતો અને રિક્ષા ગોથું ખાઇ ગઇ હતી.
અકસ્માતમાં ઘવાયેલા રિક્ષાચાલક વેલનાથપરાના હરજીભાઇ વાલાભાઇ મેવાડા (ઉ.વ.50) અને સાઇકલચાલક રમેશભાઇ જાંબુડિયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ રમેશભાઇ જાંબુડિયાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતા હરજીભાઇ મેવાડા પોતાની રિક્ષા ચલાવીને જતા હતા અને માર્કેટિંગયાર્ડ નજીક પહોંચ્યા હતા ત્યારે પાછળથી આવેલા કોઇ ભારે વાહનના ચાલકે અચાનક જ હોર્ન વગાડતાં હરજીભાઇ ગભરાઇ ગયા હતા અને તેમણે આગળ જઇ રહેલા સાઇકલચાલકને ઉલાળ્યા હતા અને સાઇકલચાલક રમેશભાઇનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.