ગુજરાતના એક વરિષ્ઠ IPS અધિકારીને ત્યાં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની એક વિશેષ ટીમ દ્વારા અચાનક આજે દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમાંય વળી શેરબજારના ભાવોમાં કુત્રિમ ઉછાળા પ્રકરણમાં આઇપીએસ હોવાની વાતો ફેલાતાં ચોતરફ ભારે ચકચાર મચવાની સાથોસાથ આશ્ચર્ય પણ ફેલાયું હતું. સેબીએ ફટકારેલી નોટીસમાં રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની સેબીને બાહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
ગુજરાતમાં IPS અધિકારીને ત્યાં દરોડા જો કે સેબીની નોટીસમાં રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલ આઇપીએસ હોવાની વાતનો કયાંય કોઇ ઉલ્લેખ નથી. પણ સેબીએ આઇપીએસ રવિન્દ્ર ડાહ્યાભાઇ પટેલ તથા તેમના સગાંને ત્યાં આજે સવારથી જ તપાસ હાથ ધરી હોવાના કારણે સેબી સાથે જેમનું સમાધાન થયેલ છે તે આઇપીએસ રવિન્દ્ર પટેલ જ હોવાની વાતે જોર પકડયું હતું. એટલું જ નહીં પરંતુ સેબી સાથે બીજી કોઇ એજન્સીએ પણ તપાસમાં ઝૂંકાવ્યું હોવાની વાતો વહેતી થઇ છે. પરંતુ આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી કોઇ એજન્સીએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી. બીજી તરફ સેબીના 27 ફ્રેબ્રુઆરી-2025ના સેટલમેન્ટ ઓર્ડરમાં સેબી અને રવિન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તો પછી કયા કારણોસર સેબીએ આઇપીએસ રવિન્દ્ર પટેલને ત્યાં તપાસ હાથ ધરી છે તે વિષય ચર્ચાનો બન્યો છે. રવિન્દ્ર પટેલના પિતા પણ નિવૃત્ત આઇ.પી.એસ. હતા.