રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ રામનગર શેરી નંબર-2માં આજે સવારના સમયે ઘરની બહાર રાખવામાં લાદી તોડવા અને પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બે મહિલાને ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. આ દરમિયાન રોષે ભરાયેલ મહિલાના પુત્રએ ઘરમાંથી બહાર આવી તેની માતા સાથે ઝઘડો કરતા સાસુ-વહુ પર છરી વડે હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
હાલ બનાવ અંગે ઈજાગ્રસ્ત મહિલા નીતા ઠુંમરે ફરિયાદ આપતા આજીડેમ પોલીસે મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ BNS કલમ 109(1), 118(1), 115(2), 351(2), 352, 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહિલાના પુત્ર સાથે આરોપી મહિલાના પ્રેમ લગ્ન થયા હતા અને સાતેક વર્ષ પછી છૂટાછેડા થઇ જતા આરોપી અલ્પા જોશી બાજુમાં જ તેને ભરણપોષણ પેટે આપવામાં આવેલ મકાનમાં તેના પુત્ર સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદી નીતાબેન ઠુંમરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા દીકરા દિવ્યેશ અને તેની પત્ની વૃંદા તેમજ પૌત્ર સાથે રહું છું. મારા દીકરા દિવ્યેશે અગાઉ અલ્પા જોશી સાથે લવ મેરેજ કરેલ હતા. અલ્પાએ અગાઉના લગ્નથી એક દીકરો વિનીત ઉર્ફે વિવેક છે, જે પણ તેની સાથે લઈને આવી હતી. અમારી સાથે તે 7 વર્ષ દિવ્યેશના પત્ની તરીકે રહી હતી. આ પછી દિવ્યેશ તથા અલ્પા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી બંને રાજીખુશીથી કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા અને કોર્ટમાં થયેલ સમાધાન મુજબ અમારી બાજુમાં જે બે મકાનો આવેલ હતા, તે મકાનો આ અલ્પાને કાયમી ખાધા ખોરાકી સ્વરૂપે તેમના નામે કરી દેવામાં આવ્યા હતા.