ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ગુજરાત એટીએસ અને દિલ્હી એનસીબી (ઓપ્સ) દ્વારા ભારતીય બોટમાંથી બે શખસને 173 કિલો ડ્રગ્સનો ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા બન્ને શખસને મૂળ મહારાષ્ટ્રના છે અને તેમણે ભારતીય બોટનો ઉપયોગ કરી પાકિસ્તાનના પશનીથી 110 નોટીકલ માઈલ દૂર એક સ્થાન પર પાકિસ્તાની સ્પીડ બોટમાંથી ડીઝલ અને રેશન સહિત હશીશની ડિલિવરી લીધી હતી. અને આ જથ્થાને તેઓ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવાના હતા. ઉલ્લેખનીય છે કે, આ મામલે અમદાવાદ ATS પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને લઈ દેશમાં 16 માર્ચ 2024થી આદર્શ આચારસંહિતા અમલમાં છે. જેને લઇને દેશની તમામ સુરક્ષા એજન્સીઓ નાર્કોટિક ડ્રગ્સ સહિત પ્રતિબંધિત સામગ્રીને જપ્ત કરવા માટે એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત એટીએસના પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના મુંબઇ અને બીડના ત્રણ ભારતીય કૈલાશ વૈજીનાથ સનપ, દત્તા સખારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ દરિયાઈ માર્ગે માદક દ્રવ્યોની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેમણે એક સ્થાનિક વ્યક્તિના નામે ભારતીય ફિશિંગ બોટ ભાડે રાખી છે. 22 અને 23 એપ્રિલ 2024ની મધ્યરાત્રિએ માછીમારીના બહાને રવાના થયા છે. ત્યારે તેઓ 27 અને 28 એપ્રિલ 2024ના રોજ ગુજરાતના દરિયાકાંઠે પરત ફરવાના છે. ત્યારબાદ તેઓ પ્રતિબંધિત માદક પદાર્થના જથ્થાને ગુજરાતના દરિયાકાંઠેથી ભારતના અંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવાના છે.