શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. રેલનગર વિસ્તારમાં બે સંતાનની માતાને ઉપલેટાના ઇસરા ગામેથી મળવા આવેલા પરિણીત પ્રેમીને મહિલાના પિતાએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપી પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ધરપકડ કરી હતી. રેલનગરના દર્શનવિલામાં રહેતી કિરણ જિતેન્દ્ર ચૌહાણ બુધવારે બપોરે તેના ઘરે હતી ત્યારે ઉપલેટાના ઇસરા ગામે રહેતો તેનો પ્રેમી આસિફ ઇકબાલ સોરા (ઉ.વ.30) તેને મળવા આવ્યો હતો. બપોરના ચાર વાગ્યના અરસામાં કિરણ અને આસિફ ઘરના હોલમાં બેઠા હતા ત્યારે અચાનક જ કિરણના પિતા રાજેન્દ્ર રાઠોડ (ઉ.વ.65) ધસી આવ્યા હતા. રાજેન્દ્ર રાઠોડ અને આસિફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા રાજેન્દ્ર રાઠોડે પુત્રીના પ્રેમી આસિફને સાથળ-પગના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા ઝીંકાતા આસિફ લોહિયાળ હાલતમાં ઢળી પડ્યો હતો. પ્રેમિકા કિરણ ચૌહાણ જ તેને સિવિલ હોસ્પિટલે લઇ ગઇ હતી અને ટૂંકી સારવાર દરમિયાન આસિફનું મોત નીપજ્યું હતું.
હત્યાની ઘટના પ્રકાશમાં આવતા ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળેથી જ આરોપી રાજેન્દ્ર રાઠોડને ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, કિરણ બે સંતાનની માતા છે અને તેના પ્રેમી આસિફને પણ બે સંતાન છે. પોલીસે રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.