વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને કારણે ગુજરાતમાં ભર ઉનાળે હોળી ટાણે જ ભારે પવન સાથે વરસાદ અને કરા પડી રહ્યા છે. સોમવારે અમદાવાદ, ભરૂચ, નર્મદા, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વીજળીના કડાકા ભટાકા સાથે વરસાદના ઝાપટાં પડી ગયા. કેટલાક સ્થળે કરા પડ્યાના પણ અહેવાલ છે.
જ્યારે ઘણા સ્થળે હજુ બે દિવસ આવી પરિસ્થિતિ રહેવાની હવામાન ખાતાની આગાહી છે. તો વરસાદ અને ભારે પવનને કારણે રાજ્યમાં બે મહિલાનાં મોત નીપજ્યાં. જંબુસરમાં વૃક્ષ ધરાશાયી થતાં અને હિમ્મત નગરમાં વીજ થાંભલો પડી જવાથી મહિલાઓ મૃત્યુ પામી.
કમોસમી વરસાદને કારણે પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચંતિત થઇ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું, છેલ્લા 13 વર્ષમાં માર્ચમાં ચોથી વખત માવઠું, આગામી 15મી સુધી હજુ વાદળછાયું રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને નવસારીમાં માવઠાથી કેરીના પાક ઉપર માઠી અસર થઇ છે. સુરતમાં બે વર્ષ પછી માર્ચમાં તોફાની વરસાદ ખાબક્તા 8 વૃક્ષ ધારાશાયી થયાં. 60થી80 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.