ઘેરબેઠાં સ્નાતક અને અનુસ્નાતક થવા માગતાં અને છેલ્લા ઘણા દિવસોથી ગૃહિણી, નોકરિયાત વર્ગ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે બીએ, બી.કોમ, એમ.એ, એમ.કોમ એક્સટર્નલના ફોર્મ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેર કરી દીધા છે. 23મી જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો આ કોર્સ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
બી.એ., બી.કોમ. સેમેસ્ટર-1ના પ્રવેશ ફોર્મ રેગ્યુલર ફી રૂ.485 સાથે ભરી શકશે. આ ઉપરાંત માસ્ટર કોર્સમાં એમ.એ., એમ.કોમ. એક્સટર્નલના સેમેસ્ટર-1ના પ્રવેશ ફોર્મ વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી રૂ.850 ભરી ઓનલાઈન ભરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર માસમાં એક્સટર્નલના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાતી હોય છે આ વર્ષે એક્સટર્નલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા નવા એક્ટ પ્રમાણે કેવી રીતે કરવી તેની અસમંજસમાં બે મહિના બાદ જાન્યુઆરીથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થતા હજારો વિદ્યાર્થીઓને રાહત થઇ છે.