બેડી યાર્ડમાં ગુરુવારે એક જ દિવસમાં મગફળીના ભાવમાં રૂ.140નું ગાબડું જોવા મળ્યું હતું. રૂ.140નો ભાવઘટાડો આવતા મગફળીનો ભાવ રૂ.1540 થયો હતો. જ્યારે કપાસે રૂ.1700ની સપાટી કુદાવી હતી. સીંગદાણામાં 90 ક્વિન્ટલ આવક થઈ હતી. વેપારીઓના જણાવ્યાનુસાર હજુ ભાવ આ મુજબ ટકેલા રહે તેવી સંભાવના છે. જોકે હાલમાં મગફળીમાં ડિમાન્ડ ઓછી છે. અને તેલ બજારમાં પણ રાબેતા મુજબના કામકાજ નોંધાઈ રહ્યા છે. એટલે ભાવમાં કોઈ મોટી ઊથલપાથલ જોવા મળશે નહિ. તલના ભાવ આ સિઝનમાં ઓલટાઈમ હાઈ રહ્યા હતા. જોકે ભાવ અત્યારે પણ રૂ.3600ની સપાટી ઉપર રહ્યા છે.
બુધવારે કપાસની આવક 4700 ક્વિન્ટલ નોંધાઈ હતી. એક મણનો ભાવ રૂ.1605થી લઈને રૂ.1714 સુધી બોલાયો હતો. જોકે ફેબ્રુઆરીના અંતે મહિનામાં ભાવવધારો થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ વખતે કપાસનો ભાવ રૂ.2 હજારે પહોંચવાની આશા હતી, પરંતુ હજુ સુધી ભાવ પહોંચ્યા નથી. જેને કારણે અનેક ખેડૂતોએ કપાસ વેચવાનું ટાળ્યું છે. જેમ-જેમ ભાવમાં વધારો થશે તેમ તેમ આવકમાં વધારો થશે. તેવી આશા વેપારીઓમાં સેવાઈ રહી છે. હાલ મગફળીમાં બારમાસી તેલ ભરવાની સિઝન હવે પૂર્ણતાના આરે છે. ત્યારે હવે ખરીદી પણ ઓછી રહેશે.