રાજકોટ મહાનગરપાલિકાના ICCC એટલે કે સીસીટીવીના કંટ્રોલરૂમ મારફત શહેરમાં સ્વચ્છતા હેતુ મોનિટરિંગ કરાય છે. આ દરમિયાન સફાઈ કર્મચારીઓ જ ગંદકી કરતા માલૂમ પડતા આકરી કાર્યવાહીનો આરંભ કર્યો છે. બે સામે સસ્પેન્શન સુધીના પગલાં લેવા બાદ પણ બીજા દિવસે પણ કચરો સળગાવવાની ઘટના બનતા 250 રૂપિયાનો દંડ કરાયો છે.
મનપાના કેમેરામાં બે મહિલા સફાઈ કર્મચારી જેમાંથી એક કાયમી અને એક કોન્ટ્રાક્ટર એજન્સીના હતા. જેમાંથી કાયમી કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે જ્યારે એજન્સીના સફાઈ કર્મચારીને દૂર કરાયા છે. જો કે બીજા જ દિવસે વોર્ડ નં. 4માં પણ સફાઈ કર્મચારી સીસીટીવી કેમેરામાં કચરો સળગાવતા દેખાયા હતા જો કે તેમને 250 રૂપિયા દંડ કરીને જવા દેવાયા હતા. એકને સસ્પેન્ડ અને બીજાને નજીવો દંડ શા માટે તે અંગે પર્યાવરણ ઈજનેરે જણાવ્યું હતું કે પ્રથમ વખત નિયમભંગ કરાયો હોય ત્યારે દંડ કરાય છે પણ બે કે તેથી વધુ વખત પણ આ જ રીતે નિયમભંગ કરે તો આકરી કાર્યવાહી કરાય છે. તેમાં પણ કચરો સળગાવવા મામલે પ્રથમ વખત કોઇ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. કારણ કે તેમની ઘણી વખત ફરિયાદ આવી ચૂકી છે.