અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ 40 દિવસ બાદ 20 જાન્યુઆરીએ સત્તા સંભાળવા જઈ રહ્યા છે. આ પહેલાં ટ્રમ્પે કેબિનેટમાં પોતાના નજીકના લોકોને સ્થાન આપ્યું. કેબિનેટ પછી હવે ટ્રમ્પ 2.0 માટે ટોચના અધિકારીઓની ભરતી પણ શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ સરકારના અધિકારીઓની પસંદગીમાં સિલિકોન વેલીના ઉદ્યોગપતિઓની દખલગીરી વધી.
અમેરિકામાં આ પહેલીવાર છે જ્યારે સિલિકોન વેલી અમેરિકન વહીવટી અધિકારીઓની ભરતીમાં આટલો રસ દાખવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્સ અને ટેસ્લાના માલિક અબજોપતિ એલોન મસ્ક સહિત એક ડઝનથી વધુ સિલિકોન વેલીના સીઈઓ તેમના કામકાજમાંથી રજા લઈ ટ્રમ્પ પ્રશાસન માટે ભરતીઓ માટે ટોચના અધિકારીઓના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા છે.