રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી જાહેર કરાતા અને તેમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં 9000 ટકા સુધીનો તોતિંગ વધારો ઝીંકાતા ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો અને જબરો વિરોધ આવતા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે દરેક જિલ્લામાં વાંધા અરજીઓ મગાવવાનું શરૂ કરતાં રાજકોટ જિલ્લામાં 910 વાંધા અરજી કલેક્ટર તંત્ર સમક્ષ સબમિટ થઇ છે. જ્યારે શહેરમાં ઊલટી ગંગા જેવા કિસ્સા જોવા મળ્યા છે અને જંત્રી દર વધારા સામે નહીં, પરંતુ ઘટાડા સામે વાંધો લઇ પોશ વિસ્તારોમાં 97 જેટલા અરજદારે જંત્રી દર વધારવા અરજીઓ કરી છે.
તેમજ અરજદારોએ 20 ટકાથી લઇને 1751 ટકા સુધીનો જંત્રી દર વધારવા રાજ્ય સરકાર સમક્ષ અરજીઓ કરી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સ્ટેમ્પ ડ્યૂટી વિભાગના ડેપ્યુટી કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.20મી સુધીમાં રાજકોટ શહેરમાં ઓફલાઇન વાંધા અરજી 165 અને ઓનલાઇન વાંધા અરજી 298 તથા રાજકોટ રૂરલ વિસ્તારમાં ઓફલાઇન વાંધા અરજી 327 અને ઓનલાઇન વાંધા અરજી 285 મળીને કુલ 910 વાંધા અરજી નવી જંત્રીને લાગુ કરવાના વિરોધમાં મળી છે. જેમાંથી 492 ઓફલાઇન વાંધા અરજી મળી છે તેની ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી હાલ ચાલુ છે.
જ્યારે 97 વાંધા અરજી જંત્રી દર વધારવા માટે મળતા જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ મુદ્દે પણ રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, મવડી, સંત કબીર રોડ, લીમડા ચોક, કોઠારિયા, શાપર મેઇન રોડ, બેડીનાકા, લીમડા ચોક, રણછોડનગર, શીતલ પાર્ક, અયોધ્યા ચોક, સિલ્વર હાઇટ્સ, કૃતિ ઓનેલા, સુભાષ પ્લોટ, રેલનગર, શ્રીનાથજી પાર્ક, શ્રીરામ પાર્ક, કાલાવડ રોડ, નાનામવા રોડ, દ્વારકેશ પાર્ક, આલાપ ટ્વિન ટાવર, નટરાજનગર, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, એસએનકે સ્કૂલ પાસે, મવડીમાં મધુવન સોસાયટી, અનંતભૂમિ, ગોવર્ધન ચોક, જ્યોતિનગર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં જંત્રી દર વધારવા દરખાસ્ત કરવામાં આવી છે.