ડ્રગ્સનું ઈન્જેક્શન લીધા બાદ ખેંચ આવીને અચાનક તબિયત લથડતા ઉનના યુવકનું મોત નીપજ્યું છે. ડ્રગ્સના સેવનથી મૃત્યુની આ શહેરની પહેલી ઘટના છે. ઉન સંજરનગર બિસ્મીલ્લાહ સિદ્દીકી પેલેસ ખાતે રહેતા 32 વર્ષીય નવાઝખાન મોહંમદખાન પઠાણે ડાબા હાથમાં ઇન્જેક્શનથી ડ્રગ્સ લીધું હતું. ડ્રગ્સ લીધા બાદ તેને બ્રેઇન ઇન્જરી થઈ હતી પછી 7 દિવસમાં મગજ, હૃદય, ફેફસાં, કિડની, લિવર ફેઇલ થઈ ગયા હતા. છેલ્લે 109 ફેરનહીટ તાવ આવ્યો ને મોત થયું હતું.
બે હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીને અમારે ત્યાં લાવ્યા હતા. ડ્રગ્સના ઓવરડોઝની હીસ્ટ્રી સાથે આવેલા દર્દી હાઈપોક્ષિક બ્રેઈન ઈન્જરીના કારણે કોમામાં સરી પડ્યા હતા. સપોર્ટીવ ટ્રીટમેન્ટ આપતા હતા. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડ્રગ્સની ઘણી બધી સાઈડ ઈફેક્ટ હોય છે, જેમાં હાઈપોક્ષિક બ્રેઈન ઈન્જરીમાં દર્દીનું બ્રેઈન, હાર્ટ, લંગ્સ, કિડની અને લિવર સહિતના અંગો ધીમે ધીમે ફેઈલ થતા જાય છે અને આ કેસમાં પણ આવું જ થયું. છેલ્લે છેલ્લે દર્દીને અચાનક જ હાઈપરથર્મીયા થઈ ગયું હતું અને શરીરનું ટેમ્પ્રેચર 109 ફેરનહીટ સુધી પહોંચી ગયું હતું, જેને અમે કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો અને 104 ફેરનહીટ સુધી લઈ આવ્યા હતા. ડ્રગ્સના ઓવરડોઝના કારણે દર્દીની આવી સ્થિતિ થઈ હતી. જોકે દર્દીને અમે બચાવી શક્યા ન હતા. - ડો. અલ્પેશ ઝાલા, સનરાઇઝ હોસ્પિટલ, સારવાર કરનાર તબીબ