દિલ્હીના સાદિક નગરમાં સ્થિત એક સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યા પછી સ્કૂલને ખાલી કરવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે સ્કૂલ પ્રશાસનને એક ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. જેમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ હોવાની સૂચના આપવામાં આવી હતી. સૂચના મળતાં જ સ્કૂલ પ્રશાસને તરત જ પોલીસને ફોન કર્યો અને બાળકોને સ્કૂલમાંથી બહાર કાઢવામાં આવ્યાં. પોલીસને હજુ સુધીની તપાસમાં કંઇપણ શંકાસ્પદ મળ્યું નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સાદિક નગર સ્થિત એક સ્કૂલને સવારે 10.49 વાગ્યે એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ રાખવામાં આવ્યો છે. સુરક્ષાનું ધ્યાન રાખીને સ્કૂલને ખાલી કરવામાં આવી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે અમે 2વાર સ્કૂલમાં ચેકિંગ કર્યું. પરંતુ સ્કૂલમાં કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો નથી.
આ સમાચાર મળતાં જ મોટાભાગના વિદ્યાર્થીઓના માતા-પિતા સ્કૂલ પાસે પહોંચી ગયા અને ગેટ બહાર ભેગા થઈ ગયાં. જેમણે જણાવ્યું કે અમને સ્કૂલમાંથી મેસેજ મળ્યો હતો કે સ્કૂલે આવીને બાળકોને ઘરે લઇ જાય.