રાજ્ય સરકારે ટેક્સટાઈલ પોલિસી જાહેર કરી છે, જેમાં કેપિટલ સબસિડી, ઈન્ટરેસ્ટ સબસિડી સહિતની જાહેરાત કરવામાં આવી છે, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ છે, પરંતુ એક નિયમને કારણે ઉદ્યોગકારોમાં નારાજગી છે. શહેરની હદમાં જે યુનિટો કાર્યરત હશે કે નવાં સ્થપાશે તેમને આ પોલિસીનો લાભ નહીં મળે. આમ, પોલિસી સારી હોવા છતાં આ એક નિયમને કારણે શહેરમાં ચાલતાં દોઢ લાખ એમ્બ્રોઈડરી મશીનો, 1 લાખથી વધારે વીવિંગ મશીન સંચાલકોને અસર થશે, આ ઉપરાંત શહેરમાં અનેક ગારમેન્ટ યુનિટો અને જરી યુનિટો પણ શહેરની હદની અંદર યુનિટો કાર્યરત છે અને તેમને યુનિટના વિસ્તૃતિકરણ કરવું છે તેઓને હવે મજબૂરીમાં શહેર હદ વિસ્તાર બહાર જવું પડે તેમ છે, પરંતુ હાલ સિટીની બહાર જવા માટે શક્ય નથી. શહેરમાં મોટા ભાગના યુનિટોમાં કામ કરતાં કર્મચારીઓ શહેરમાંથી મળે છે, ઘરમાં જ જોબવર્ક કરે છે. સરકારના આ એક નિર્ણયને કારણે શહેરના 70 ટકા, જરી, ગાર્મેન્ટ, વિવિંગ અને એમ્બ્રોઈડરી યુનિટો નવી ટેક્સટાઈલ પોલિસીથી વંચિત રહેશે.
સ્થાનિક ટેક્સટાઈલ ઉદ્યોગ જે-તે સમયે શહેરની અંદર જ ફૂલ્યોફાલ્યો છે. જે યુનિટોમાં હવે નવા મશીનો અપટેડ થઈ રહ્યાં છે, આ ઈન્ડસ્ટ્રી પ્રદૂષિણ પણ ફેલાવતી નથી ઉપરાંત શહેરની અંદાજીત 2 લાખ મહિલાઓને રોજગારી આપે છે, ત્યારે આવા શહેરી વિસ્તારમાં આવેલાં યુનિટોને નવી ટેક્સટાઈલ પોલિસીનો લાભ ચોક્કસ મળવો જોઈએ. - અશોક જીરાવાલા, પ્રમુખ, ફોગવા