બ્રિટન હાલના સમયે અભૂતપૂર્વ મેડિકલ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્વાસ્થ્યકર્મીઓની હડતાળ અને સેવાઓ ઠપ પડી જતાં દર્દીઓ હોસ્પિટલોના ફ્લોર, કોરિડોર, ફસાયેલી એમ્બ્યુલન્સ અને અન્ય જગ્યાઓ પણ ટપોટપ મરી રહ્યા છે. રોયલ કોલેજ ઓફ ઈમર્જન્સી મેડિસિનના અધ્યક્ષ એડ્રિયન બોયલે કહ્યું કે દર મહિને આશરે 2000 લોકો સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. બ્રિટનના ડૉક્ટર હોસ્પિટલની સ્થિતિને યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પણ બદતર ગણાવી રહ્યા છે. આ વર્ષે ઓર્ડર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર(ઓબીઈ)થી સન્માનિત ડૉક્ટર પોલ રેનસમે કહ્યું કે અમારી હોસ્પિટલોની સ્થિતિ યુક્રેન અને શ્રીલંકાથી પણ બદતર થઇ ગઈ છે. તેમણે કોરિડોરમાં સારવાર માટે વલખાં મારતાં દર્દીઓ અંગે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે હું જ્યારે એનએચએસના સહયોગીઓને દર્દીઓને સારવાર આપવામાં અક્ષમ જોઉં છું તો ખુદને દોષિત માનવા લાગું છું. મેં યુક્રેન, જ્યોર્જિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે જેવા દેશોમાં પણ દર્દીઓને કોરિડોરમાં પડી રહેલી હાલતમાં જોયા છે. એ દૃષ્ટિએ અમારા દેશની હાલત તો વધુ બદતર જણાઈ રહી છે. નર્સિંગ સ્ટાફ માટે એ નક્કી કરવું મુશ્કેલ થઈ રહ્યું છે કે કયો દર્દી સૌથી ગંભીર છે અને સારવાર માટે કોને ભીડથી ભરેલા ઈમર્જન્સી રૂમમાં બોલાવીએ. તેમણે બ્રિટિશ સરકારને કહ્યું કે તે બીજા દેશોથી માનવતાના આધારે મદદ માગે. બ્રિટન જેવી બદતર સ્વાસ્થ્ય સેવાઓ અન્ય કોઈ યુરોપિયન દેશમાં નથી.