રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રેલવેના ટ્રેકની સામે રહેતાં હર્ષાબેન શૈલેષભાઈ પરેશા (ઉ.વ.30)ના થોડા સમય માટે પડેલા બંધ મકાનને નિશાન બનાવી 3.12 લાખની કિંમતના સોનાના દાગીના ચોરી ગયાની પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે પાડોશી દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી દંપતીએ પોતાના 3 માસના બીમાર બાળકની સારવાર માટે ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીને ઝડપી 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં થયેલી ચોરીના બનાવમાં ફરિયાદી મકાન માલિકના પિતરાઈ ભત્રીજી શિતલ મિલન જોટંગીયા (ઉ.વ.25) તથા તેણીના પતિ મિલન ધીરેન્દ્રભાઇ જોટંગીયા (ઉ.વ.25)ને પકડી પાડી સોનાનો હાર, લક્કી, ચેઇન, બુટી, વીંટી, ટુવ્હીલર સહિત 3,32,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.