રાજકોટ જિલ્લાના એપી સેન્ટર જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયાને ભાજપમાંથી ફરી રિપીટ કરી ટિકિટ આપવામાં આવી છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કુંવરજી બાવળિયાએ પોતાના ગઢ જસદણમાં શક્તિ પ્રદર્શન કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા કુંવરજી બાવળિયાએ ડીજેના તાલે 3થી 4 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઇક અને કાર સાથે જોડાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાની જીભ લપસી હતી અને કહ્યું હતું કે, જિલ્લાના અમારા તમામ આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ, પરંતુ બાદમાં સોરી કહી ઉમેદવારીપત્રક આપવા જઈએ છીએ તેવું જણાવ્યું હતું.