કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાને લઇને ઓઇલ કંપનીઓ સાથે કોઇ વાતચીત થઇ નથી. ક્રૂડની અસ્થિરતા વચ્ચે સરકારની પ્રાથમિકતા ઇંધણ ઉપલબ્ધ કરાવવાનું છે. પુરીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ક્રૂડની કિંમત સતત ઘટી રહી છે. છેલ્લા 19 મહિનામાં ક્રૂડ ઓઇલ 31%થી વધુ સસ્તું થયું છે, પરંતુ આ દરમિયાન પેટ્રોલની કિંમત 8% ઘટ્યા બાદથી સ્થિર છે.
પુરીએ કહ્યું કે સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા ક્વાર્ટર દરમિયાન નફો ચોક્કસ કર્યો છે, પરંતુ પહેલાં કિંમત વધવાથી ખોટ પણ થઇ છે. પુરી અનુસાર વૈશ્વિક માર્કેટ અશાંત છે. બે યુદ્ધોને કારણે કાર્ગો શિપ પર હુમલા થઇ રહ્યા છે. રેડ સી અને સુએજ કેનાલથી 12% શિપિંગ ટ્રાફિક, 18% ઓઇલ અને 4-8% LNG બિઝનેસ થાય છે. તેમાં અડચણ આવશે તો ભવિષ્યના સપ્લાયમાં અડચણ આવી શકે છે.
પ્રાથમિકતા ક્રૂડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની છે. તે સ્થિર થાય તે જરૂરી છે ત્યારબાદ કિંમત પર ઘટાડા અંગે વિચારીશું. દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત સ્થિર છે. સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડાની યોજના બનાવી રહી છે ત્યારે તેમનું આ નિવેદન આવ્યું છે.