વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી અમેરિકાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ પર રહેશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત થશે. તેમાં બિઝનેસનો મુદ્દો સૌથી અગ્રિમ રહેવાનો છે. ટેરિફ પર ભારતે પહેલ કરતાં અમેરિકન બાઈક અને અન્ય લક્ઝરી આઈટમ પર 70% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત સામાન્ય બજેટમાં કરી દીધી હતી. પરંતુ અમેરિકા ભારત સાથે વેપાર સંતુલન પર ભાર મૂકી રહ્યું છે.
ભારતનું અમેરિકા સાથે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ટ્રેડ સરપ્લસ છે. ફાઈનાન્સિયલ એજન્સી નોમુરા અનુસાર, ટ્રમ્પ અમેરિકાનાં હિતો માટે ભારત પર ટેરિફ લગાવી શકે છે. ભારત-અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંધિ માટે ચર્ચા થઈ શકે છે. રક્ષા સમજૂતીમાં તેજસ માર્ક-2 ફાઈટર વિમાનનાં એન્જિન ખરીદી અને એમક્યૂ-9બી ડ્રોન અંગે પણ ચર્ચા થશે. ત્રીજું મોટું ફોકસ આઈમેક (ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર) પર રહેવાની શક્યતા છે. આઈમેકમાં ભારત પશ્ચિમ કાંઠાથી સુએજ નહેરને બદલે યુએઈ, સાઉદી, ઈઝરાયલ થઈને યુરોપ સુધી રોડ, રેલવે અને સમુદ્રનો મહત્ત્વાકાંક્ષી માર્ગ પ્રસ્તાવિત છે.