વર્ષ 2020માં રાજકોટના માયાણીનગર આવાસ ક્વાર્ટર પાસે બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતારનાર 2 સગા ભાઈને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મૃતક રાજેશ ચૌહાણ મોડી રાત્રે પ્રેમિકાને મળવા ગયો હતોસ ત્યારે આરોપી રજનીશ અને રાહુલે પાઇપ-લાકડીના ઘા માર્યા હતા. મૃતકનું નિવેદન લીધા બાદ સારવારમાં મોત નીપજ્યું હતુ. જે ઘટનાનો કેસ 5 વર્ષ સુધી ચાલ્યો અને તેમાં 25થી વધુ દસ્તાવેજી પુરાવાઓ તેમજ 19 સાહેદોની જુબાની લેવામાં આવી હતી. આજે (11 ફેબ્રુઆરી) આ કેસમાં બન્ને આરોપીને શેસન્સ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.
બે ભાઈએ મળીને બહેનના પ્રેમીની હત્યા કરી હતી પ્રાપ્ત વિગત મુજબ, મરણજનાર રાજેશભાઈ બચુભાઈ ચૌહાણ (ઉં.વ. 50, રહે. શીવનગર સોસાયટી, રાજકોટ)ને આરોપીની બહેન સુધા જગદીશભાઈ પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. તે બાબતે આરોપીઓએ મૃતકને ટોકેલ અને કહ્યું કે, તું મારી બહેન સાથે કોઈ જાતનો સબંધ રાખતો નહીં. તા.22/07/2020ના રોજ મૃતક આરોપીની બહેનને મળવા ગયો હતો, ત્યારે માયાણી આવાસ યોજનાના કવાર્ટર પાસે પહોંચ્યો હતો ત્યાં આરોપી રજનીશ અને રાહુલ જગદીશભાઈ પરમાર તેને જોઈ ગયા હતાં. જેથી કહ્યું હતું કે, તું કેમ મારી બેન સાથે સંબંધ રાખે છે, કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહ્યા હતા. બાદમાં પાઈપ અને લાકડી વડે આડેધડ માર માર્યો હતો.
મૃતકે જ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું આ અંગે મરણજનારના સગાઓને આરોપીની બહેને જાણ કરતા તેઓ આવી જતા મરણજનારને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. સારવારમાં રહેલ રાજેશે જ પોલીસને ફરિયાદ નિવેદન આપ્યું હતું. જે આધારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ દરમિયાન ટૂંકી સારવારમાં જ રાજેશનું મોત નીપજ્યું હતું. કોર્ટમાં કેસ જતા આઈ.પી.સી. કલમ- 302, 325, 504, સાથે કલમ 114 તથા જી.પી. એકટ કલમ-135(1) મુજબનું તહોમતનામુ ઘડવામાં આવ્યું હતું.