રાજ્યમાં દર 50 કિલોમીટર કે 1 કલાકના અંતરમાં બ્લડ બૅન્ક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર મળી રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ તૈયારી શરૂ કરી દીધી છે અને આગામી વર્ષ 2025માં નવી 9 બ્લડ બૅન્ક અને 11 બ્લડ સ્ટોરેજ સેન્ટર ખોલશે.
રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી બ્લડની જરૂરિયાત પૂરી પાડી શકાય તે હેતુથી આ સમગ્ર પ્લાન તૈયાર કરાયો છે. રેડ ક્રોસ સંસ્થાના સેક્રેટરી ડૉ. પ્રકાશ પરમારના જણાવ્યા અનુસાર, રેડ ક્રોસ સંચાલિત બ્લડ બૅન્ક અને સ્ટોરેજ સેન્ટર્સ મારફતે દર વર્ષે 2 લાખ કરતાં વધુ બ્લડ યુનિટ પૂરું પડાય છે. અંતરિયાળ વિસ્તારોમાં બ્લડની સમસ્યાને પ્રાથમિકતા આપીને ત્યાંનાં સ્થળો પર સહેલાઈથી બ્લડ માત્ર 1 કલાકના અંતરે મળે તે માટે કાર્ય ચાલુ છે. બધાં સેન્ટરો પરથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્લડ સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. બ્લડના બદલામાં બ્લડની માગણી પણ કરાતી નથી. હાલ અમદાવાદ, નવસારી, આણંદ, ગોધરા, વડોદરા, કલોલ, પેટલાદ, કપડવંજ, રાજકોટ, પાટણ, ભાવનગર, લુણાવાડા સહિતની કુલ 25 બ્લડ બૅન્ક અને કાસિન્દ્રા, કઠલાલ, વિરમગામ, ધોળકા, દહેગામ, તલોદ સહિત કુલ 19 જગ્યાએ બ્લડ સ્ટોરેજ સેન્ટર છે. કુલ 25 બ્લડ કલેક્શન વાન અને કેમ્પ કરી એક વર્ષમાં એક લાખથી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરાયાં છે.