ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ અન્ય કર્મચારી મંડળો દ્વારા 6 માર્ચના વિવિધ પડતર માંગણીઓને લઇને પેન ડાઉન, શટ ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, તેને લઇને ગુજરાત સરકારના સમાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ આદિત્ય દેસાઇ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તમામ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ તથા સચિવને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારા વિભાગ હસ્તકના જે કર્મચારીઓ કે અધિકારીઓ 6 માર્ચના પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હેઠળ સરકારી કામગીરીથી અળગા રહે અને તેમની નિયમિત કામગીરી ન કરે તો તેમની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ભગીની સંસ્થા શૈક્ષિક સંઘ દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા લોકસભાની ચૂંટણી અગાઉ ફરી એકવાર સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જૂની પેન્શન યોજના સહિતના શિક્ષકોના પડતર પ્રશ્નો મામલે સંઘ સાથે જોડાયેલી સંસ્થા પેન ડાઉન અને ચોક ડાઉન કરી આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જોકે, અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી સમયે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે આંદોલન ઝડપથી પૂર્ણ થઇ ગયું હતું.