શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધ નજીકના ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફર્નિચર સહિતના રૂ.21 લાખના કામનો કોન્ટ્રાક્ટ રાખી તેમાંથી રૂ.16 લાખ મેળવી લીધા બાદ કોન્ટ્રાક્ટરે માત્ર રૂ.5 લાખનું કામ કરી અન્ય કામ નહીં કરી રૂ.11 લાખની છેતરપિંડી આચરી હતી.
કોટેચા ચોક પાસેના યોગીનિકેતન પ્લોટમાં રહેતા અને એક મોલમાં આવેલા સિનેમામાં મેનેજર તરીકે ફરજ બજાવતાં રિદ્ધિબેન દિનેશચંદ્ર દવે (ઉ.વ.43)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શીતલપાર્ક પાસે રહેતા નિરવ અશિત અખાનીનું નામ આપ્યું હતું. રિદ્ધિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં તેમણે તેમના તથા તેમના પિતા દિનેશચંદ્ર દવેના સંયુક્ત નામે ફ્લેટ ખરીદ કર્યો હતો અને ફ્લેટમાં ફર્નિચર કામ કરાવવા માટે બિલ્ડર જમનભાઇએ નિરવ અખાનીનો પરિચય કરાવ્યો હતો. રિદ્ધિબેને પોતાના ફ્લેટમાં ફર્નચિર કામ, કલર કામ, પીઓપી, પડદા, મેટ્રેસનું કામ, કિચન, ચીમની, બાથરૂમમાં પાર્ટિશન સહિત કુલ રૂ.21.50 લાખનું કામ નિરવને સોંપ્યું હતું.
નિરવે કામ શરૂ કરી વિશ્વાસ જીતી રિદ્ધિબેન પાસે અલગ અલગ કામના નામે કુલ રૂ.16 લાખ મેળવી લીધા હતા, દોઢ મહિના સુધી કામ યોગ્ય રીતે ચાલ્યું હતું, બાદમાં ફ્લેટનું કામ બંધ કરી દીધું હતું, રિદ્ધિબેને કોન્ટ્રાક્ટર નિરવને માત્ર રૂ.5 લાખનું જ કામ થયું છે તેમ કહેતા નિરવે રૂ.8 લાખનું કામ થયાનો દાવો કર્યો હતો, રિદ્ધિબેન પોતાના નીકળતાં રૂ.11 લાખ પરત આપવાનું કહેતા કોન્ટ્રાક્ટર નિરવે શરૂઆતમાં અલગ અલગ બહાના કાઢ્યા હતા અને અંતે રકમ પરત દેવાની ના કહી દેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પોલીસે નિરવ અખાની સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ તપાસ શરૂ કરી હતી.