રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ગુરુવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) ને 24 રને હરાવ્યું. વિરાટ કોહલી મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં 556 દિવસ પછી IPL મેચમાં કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. તેણે 2 સફળ રિવ્યૂ લીધા.
પંજાબના હરપ્રીત બ્રારે RCBના 2 ટોચના ખેલાડીઓ કોહલી અને ગ્લેન મેક્સવેલને સળંગ બોલમાં પેવેલિયન મોકલી દીધા હતા. સેમ કુરેને નો-બોલ ફેંક્યા બાદ ફાફ ડુ પ્લેસિસની માફી માગી હતી અને મેચના પ્લેયર મોહમ્મદ સિરાજે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું.
વિરાટ કોહલીએ 556 દિવસ (લગભગ 18 મહિના) પછી ફરીથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ કરી. ટીમના રેગ્યુલર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાના કારણે ઇમ્પેક્ટ પ્લેયર બનીને બેટિંગ જ કરી શક્યો. તેના સ્થાને કોહલીએ ટીમની કમાન સંભાળી હતી.
કોહલી ટોસ હાર્યો, જેના કારણે બેંગલુરુએ પહેલાં બેટિંગ કરી. તેણે ઈમ્પેક્ટ પ્લેયર ડુ પ્લેસિસ સાથે પહેલાં વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ પહેલાં દાવમાં ફિફ્ટી બનાવી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ટીમની કેપ્ટન્સી કરતા તેણે 24 રનથી જીત મેળવી હતી. કોહલીની કેપ્ટન્સીમાં RCBએ ઓક્ટોબર 2021માં KKR સામે છેલ્લી મેચ રમી હતી, આ પ્લેઓફ મેચમાં ટીમે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.