હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અમદાવાદ સહીતના જિલ્લાઓમાં ગઈ કાલે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા વીજળીનાં કડાકાભડાકા સાથે વરસાદ શરુ થયો.તો કેટલાક વિસ્તારોમા કરા પણ પડ્યા.
રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
મહત્વનું છે કે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે.ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમથી અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 30 મે પછી વાતાવરણ નોર્મલ થશે.
અમદાવાદમાં રવિવારે સાંજે 6.30 પછી એકાએક વીજળીના કડાકા અને 20 કિલોમીટરથી પણ વધુ ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે સાથે શહેરના મોટાભાગના વિસ્તારમાં કરા પણ પડ્યા હતા. સૌથી વધુ વરસાદ જોધપુર, ચાંદખેડા, મણિનગર, પાલડી, ચાંદલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પડ્યો હતો. જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, નારોલ, વટવા, બાપુનગર અને મણિનગરના કેટલાક વિસ્તારમાં વાહન પણ નીકળી ન શકે તેટલું પાણી ભરાયું હતું.