IPL ફ્રેન્ચાઇઝ લખનઉ સુપર જાયન્ટ્સની માલિકી ધરાવતા RPSG ગ્રૂપે ઇંગ્લેન્ડના લેન્કેશાયર ક્રિકેટ ક્લબ પાસેથી ધ હન્ડ્રેડ ટીમ માન્ચેસ્ટર ઓરિજિનલ્સમાં 70% હિસ્સો ખરીદ્યો છે. લેન્કેશાયર માન્ચેસ્ટર ઓરિજિનલ્સની માલિકીની કંપની છે.
RPSG ગ્રૂપે શુક્રવારે સત્તાવાર રીતે આ સોદાની જાહેરાત કરી. આ મુજબ, ઇંગ્લેન્ડના લેન્કેશાયર ક્રિકેટ ક્લબનો ટીમમાં 30% હિસ્સો રહેશે. ગ્રૂપ ચેરમેન સંજીવ ગોયેન્કાએ કહ્યું: 'અમે લેન્કેશાયરના વારસાનું સન્માન કરીએ છીએ. અમે અમારા ખેલાડીઓ, સપોર્ટ ટીમ અને સમુદાય સાથે ખાસ સંબંધ બાંધવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે શ્રેષ્ઠતામાં માનીએ છીએ. અમને આવનારી પેઢીઓ માટે ક્વોલિટી ક્રિકેટની અપાર સંભાવના દેખાય છે.'
RPSG ગ્રૂપે 11 દિવસ પહેલા 4 ફેબ્રુઆરીએ ઇંગ્લિશ લીગ ધ હંડ્રેડની ફ્રેન્ચાઈઝી માટે બોલી લગાવી હતી. ત્યારબાદ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય ગ્રૂપે ઇંગ્લિશ ફ્રેન્ચાઇઝીમાં 49 ટકા હિસ્સો ખરીદવા માટે લગભગ 1,252 કરોડ રૂપિયાની સૌથી વધુ બોલી લગાવી હતી.