રાજકોટનાં હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તા.15મી ફેબ્રુઆરીથી સવારની નવી રાજકોટ-દિલ્હી-રાજકોટ ફલાઈટ શરૂ થવાની હતી. જોકે, આ વધારાની ફ્લાઇટ શરૂ થાય તે પહેલા જ દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ એપ્રુવલ નહી આપતા સવારની દિલ્હી ફ્લાઇટ પાછી ઠેલાઈ છે. આ ફ્લાઇટનાં કારણે અનેક ઉદ્યોગકારો, વેપારીઓ અને સ્ટુડન્ટસને લાભ મળે તેમ હતો પરંતુ ફ્લાઇટ પાછી ઠેલાતા નિરાશા જોવા મળી રહી છે.
દિલ્હી એરપોર્ટ તરફથી એપ્રુવલ ન મળતા ફ્લાઈટ પાછી ઠેલવાઈ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટથી સવારની દિલ્હી ફલાઈટ માટે જુના એરપોર્ટ સમયથી ઉઠેલી માંગને ધ્યાને લઈને ઈન્ડિગો એરલાઈન્સે સવારે રાજકોટ-દિલ્હી- રાજકોટ ફલાઈટ શરૂ કરવા તૈયારી દર્શાવી હતી તેમજ આ માટે રાજકોટ અને દિલ્હી એરપોર્ટ ઓથોરીટી સમક્ષ સ્લોટ માંગ્યો હતો. જેમાં રાજકોટમાં સ્લોટ ફાળવાયો હતો પરંતુ, દિલ્હી એરપોર્ટ તરફથી એપ્રુવલ નહી મળતા આ ફલાઈટ પાછી ઠેલવાની ફરજ પડી છે.
નાછુટકે અમદાવાદ એરપોર્ટ જવું પડે એવી સ્થિતિ યથાવત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં નવું ટર્મિનલ કાર્યરત થતા હવે હવાઈ સેવામાં વધારો થવાની આશા ઉજળી બની છે. સવારની દિલ્હી ફલાઈટ શરૂ થાય તે પહેલા કેન્સલ થતાં હવે સવારની દિલ્હી ફલાઈટ માટે વધુ સમય રાહ જોવી પડશે. ઈન્ડિગો કંપની દ્વારા કરવામાં આવેલા પ્રયાસને સફળતા નહીં મળતા હવે આ ફ્લાઇટ ક્યારે શરૂ થશે? તે કહેવું પણ મુશ્કેલ છે. સવારે હવાઈ માર્ગે દિલ્હી જવા નાછુટકે અમદાવાદ એરપોર્ટ જવું પડે એવી સ્થિતિ યથાવત રહેશે.