રાજકોટની RTO મધરાતે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેને પગલે ફાયર બ્રિગ્રેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.આગજનીના આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા અઢીથી ત્રણ કલાકની જહેતમ બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. અને લાખોનું નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે આજે RTO કચેરી ખાતે ડ્રાઇવ ટેસ્ટીંગ સહિતની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મધરાત્રે રાજકોટની RTO કચેરીમાં મધરાત્રે 02:00 વાગ્યાની આસપાસ RTO કચેરીના નંબર પ્લેટ વિભાગમાં આગ લાગી હતી, ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.
નોંધનીય છે કે મોડી રાત્રે આગ લાગ્યાના બનાવથી લેપટોપ, કોમ્પ્યુટર, પ્રિન્ટર જેવી વસ્તુઓ બળી ગઇ છે, વીજ પુરવઠામાં વિક્ષેપ પડયો છે, જે સ્થિતિને ધ્યાને લઇ વાહન લાયસન્સ, વાહન રજિસ્ટ્રેશન, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ, વાહન ટ્રાન્સફરને લગતી તમામ મહત્વની કામગીરી આજે બંધ રાખવામાં આવી છે.