હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જણસી વાહનમાં લઈને આવે છે. જ્યારે નવી જણસીની આવક સ્વીકારવાની હોય ત્યારે અંદાજિત 1200 વાહન આવે છે, પરંતુ રવિવારે માત્ર 300 જ વાહનો આવ્યા હતા. જે સામાન્ય દિવસ કરતા ત્રીજા ભાગના જ હતા. આ તમામ વાહનોને રાત્રે 8.00 કલાકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આજે જણસીની હરાજી થશે.
આ અંગે યાર્ડના ઈન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર રાત્રે ટ્રાફિક વ્યવસ્થા થાળે પડ્યા બાદ યાર્ડની અંદર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાંજથી ખેડૂતો પોતાના વાહનો લઈને બહાર ઊભા હતા. જ્યારે વાહનોને પ્રવેશ આપવામાં આવે ત્યારે જ જણસી ઉતરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ રવિવારે વાદળછાયું વાતાવરણ રહેતા અને માવઠાની આગાહીને કારણે રવિવારે રાત્રે વાહનોને પ્રવેશ આપ્યા બાદ ઊભા પાલમાં જ ઢાંકીને રાખવામાં આવ્યા હતા. આજે વાતાવરણ ચોખ્ખું થયા બાદ જણસી ઉતારવામાં આવશે અને હરાજી કરવામાં આવશે. હાલમાં યાર્ડમાં ઘઉં, જીરું, ચણા, મરચાં, ધાણા સહિતની મસાલાની આવક થઈ રહી છે.