જંગલી હાથી અનાજની શોધમાં ક્યારેક ભટકતાં માનવ વસતીમાં આવી પહોંચતાં હોય છે, ત્યારે કેરલના ઇડ્ડુક્કી જિલ્લામાં એક જંગલી હાથી ‘અરીકોમ્બન’નો આતંક એટલો વધી ગયો છે કે તેની પર કાર્યવાહી કરવા માટે સ્થાનિક લોકો હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે. ‘અરી’ એટલે ચોખા અને ‘કોમ્બન’ એટલે હાથી. ચોખાના શોખીન આ હાથીને અરીકોમ્બન નામ અપાયું છે.
કોર્ટે અરીકોમ્બન પર કાર્યવાહી પહેલા પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. કમિટી 5 એપ્રિલે કોર્ટને પોતાનો નિર્ણય જણાવશે, ત્યાં સુધી હાથીને પકડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટના નિર્ણયથી નારાજ 12 ગામના લોકો હડતાળ પર ઉતર્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, આ અરીકોમ્બન હાથી રસ્તા પર આવેલી રાશનની દુકાનોમાં પ્રવેશી બધા ચોખા ખાઇ જાય છે. ગામજનોનું કહેવું છે કે હાથીને અહીંથી હટાવીને બીજે ક્યાંક લઈ જવો જોઈએ. હાથીઓ બસ પર હુમલો ન કરી દે તેવા ભયથી બાળકો પણ શાળાએ જતાં ડરે છે. કેટલાક લોકોએ કહ્યું કે ‘અરિકોમ્બન’ સિવાય અન્ય કેટલાંક હાથીઓ પણ છે, જે તેમના માટે ખતરો છે.