પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ઠેર-ઠેર દેવોના દેવ મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. રાજકોટના રસ્તા ઉપર 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75માં પાટોત્સવ દિવસ નિમિત્તે વરણાગી નીકળી હતી, જેમાં ભસ્મરાસ સાથે રાજકોટના રસ્તાઓ બમ બમ ભોલેના નાદ સાથે ગુંજી ઊઠ્યા હતા. આ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા.
રાજકોટમાં 145 વર્ષ જૂના પૌરાણિક કામનાથ મહાદેવના 75મા પાટોત્સવ નિમિત્તે દાદાની વરણાગી કાઢવામાં આવી હતી. કામનાથ મહાદેવની 100મી પાલખીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા હતા અને ખાસ પૂજા-અર્ચના કરી હતી. યાત્રાના રૂટ પર દરેક જગ્યાએ હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠ્યા હતા. સંવત 2080, શ્રાવણ સુદ-10, સવારે 10.15 વાગ્યે લઘુરુદ્રાભિષેક પૂજન, ષોડ્યોપચાર પૂજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો.