રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વાહનોમાં લગાવેલી વધારાની LED સામે ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. એકબાજુ ખુદ વાહનનું વેચાણ કરતી કંપનીઓ સફેદ LED ફિટ કરીને આપી રહી છે જ્યારે બીજી બાજુ કેટલાક વાહનચાલકો કંપનીએ ફિટ કરેલી લાઈટ ઉપરાંત વધારાની LED લગાવીને ફરતા હોય છે જેનાથી સામેથી આવતા વાહનચાલક ઉપર બેવડો પ્રકાશ ફેંકાય છે અને પરિણામે તેની આંખો અંજાઇ જવાને લીધે અકસ્માત થવાની પણ સંભાવનાઓ વધી જાય છે. રાજકોટ આરટીઓએ છેલ્લા એક વર્ષમાં વાહનોમાં વધારાની LED લગાવવા સામે 1000થી વધુ કેસ દાખલ કર્યા છે અને આશરે 10 લાખથી વધુનો દંડ પણ ફટકાર્યો છે.
સામે આવતા વાહન ચાલકોની આંખો અંજાઇ જાય અને અકસ્માતનું જોખમ સર્જાય તેવી તીવ્ર સફેદ એલ.ઈ.ડી.લાઈટ ફિટ કરાવવી હોય તે ગેરકાયદે છે, અત્યારે વાહનોમાં LED લાઇટ લગાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. LEDનો ત્રાસ ફક્ત શહેરો પૂરતો જ મર્યાદિત નથી. હાઇવે પર પણ આવા વાહનો જોવા મળે છે. જેની સામે આરટીઓ વિભાગે ઝુંબેશ શરૂ કરી છે.