નવી દિલ્હી છેલ્લા 10 મહિનામાં ચીનમાંથી દેશની આયાત લગભગ 9% વધી છે જ્યારે નિકાસ 34% ઘટી છે. ભારત હજુ પણ વિશ્વમાં ચીનમાંથી સૌથી વધુ આયાત કરનાર દેશ છે. આમાં ચીનનો હિસ્સો 14% છે, જ્યારે ચીનમાં નિકાસમાં આપણો હિસ્સો માત્ર 3.3% છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગયા વર્ષે આયાતમાં ચીનનો હિસ્સો 15.4% હતો. મંત્રાલયે ચાલુ નાણાવર્ષ 2022-23ના એપ્રિલ-22થી 31 જાન્યુઆરી 2023 સુધીના 10 મહિનાના આયાત-નિકાસ ડેટા બુધવારે જાહેર કર્યા છે. આ મુજબ છેલ્લા 10 મહિનામાં નિકાસમાં 17.33%નો વધારો થયો છે.
જેમાં સર્વિસ એક્સપોર્ટે ખાસ ભૂમિકા ભજવી છે. એપ્રિલ-22થી જાન્યુઆરી-23 દરમિયાન સેવાની નિકાસ અગાઉના સમયગાળાના સમાન સમયગાળાની સરખામણીએ 31.86% ની વૃદ્ધિ નોંધાવી છે. આ વર્ષે દેશની નિકાસ 140 દેશોમાં વધી છે. 115 દેશોમાં આપણી નિકાસ સરેરાશ 9.1% ના દરે વધી છે.