માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાય છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન તથા પ્રોત્સાહન આપવાનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત રાજ્યમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. ઈંગ્લીશ મીડિયમના ક્રેઝને લીધે ધોરણ 10માં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતી માધ્યમમાં 1.12 લાખ વિદ્યાર્થી ઘટ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2020માં ધો.10માં 7.02 લાખ વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં નોંધાયા હતા, જે 2024માં ઘટીને 5.90 લાખ થઇ ગયા છે.
જોકે એકબાજુ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઘટ્યા છે, પરંતુ બીજી બાજુ ધો.10નું ગુજરાતી માધ્યમનું પરિણામ વધ્યું છે. વર્ષ 2020માં ગુજરાતી માધ્યમનું ધો.10નું પરિણામ 57.54% રહ્યું હતું જે વર્ષ 2024માં આશરે 23% વધીને 81.17% થયું છે. નવી શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ માળખામાં કેટલાક પાયારૂપ ફેરફારો કરવામાં આવ્યા. આ પૈકીનું એક મહત્ત્વનું પરિવર્તન એ પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાનું છે. વિશ્વના અનેક દેશોમાં માતૃભાષા થકી જ જ્ઞાન આપવામાં આવે છે.