રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાંથી લઇ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેલા સંગીતા બારોટે પ્રમુખ પદ સંભાળ્યા(5 માર્ચ, 2025)ના 13 દિવસમાં રાજીનામું આપી દેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નાગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું હતું. જેમાં અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અંગત કારણોસર નહિ પ્રદેશ ભાજપના સૂચનથી રાજીનામું આપવામાં આવ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.