પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી TMC નેતા શેખ શાહજહાંની પોલીસે ધરપકડ કરી છે. ગુરુવારે સવારે ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તે 55 દિવસથી ફરાર હતો.
આ પહેલા ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ દાવો કર્યો હતો કે શાહજહાં શેખને મંગળવારે રાત્રે પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને ત્યારથી તે પોલીસની સલામત કસ્ટડીમાં છે. તેને બરમાજુર ગ્રામ પંચાયતમાંથી લાવવામાં આવ્યો હતો. આ દાવા પર ટીએમસી નેતા શાંતનુ સેને કહ્યું કે, સમાચારમાં રહેવા માટે શુભેન્દુ આવા દાવા કરે છે, જે ખોટા છે.
સંદેશખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આ મામલામાં શિબુ હઝરા અને ઉત્તમ સરદાર સહિત 18 લોકોની ધરપકડ કરી છે.
શાહજહાં શેખ ટીએમસીના જિલ્લા સ્તરના નેતા છે. રાશન કૌભાંડમાં EDએ 5 જાન્યુઆરીએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શાહજહાંના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ત્યારથી શાહજહાં શેખ ફરાર હતો.