રશિયામાં રાષ્ટ્રપતિ આવાસ ક્રેમલિન પર ડ્રોન હુમલાની ઘટના બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને અન્ય શહેરો પર હુમલા વધારે તીવ્ર કરી દીધા છે. ગુરુવારે રશિયાની સેનાએ ડ્રોન અને મિસાઇલો મારફતે હુમલા કર્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ત્રીજી વખત કીવને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલા કરવામાં આવ્યા છે. ખેરસાનમાં રશિયાના ગોળીબારમાં 23 નાગરિકોનાં મોત થયાં છે. આને આ વર્ષના હજુ સુધીના સૌથી ભીષણ હુમલા ગણવામાં આવે છે. બીજી બાજુ કીવના વહીવટી અધિકારી સેરહી પાપ્કોએ કહ્યું છે કે યુક્રેનના એર ડિફેન્સે ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં સફળતા મેળવી છે.
રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની હત્યાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે પોતાની રીતે બદલો લેવાની ધમકી પણ આપી છે. ક્રેમલિન પર 15 મિનિટના ટૂંકા ગાળામાં બે ડ્રોન આવ્યા હતા. આને ઇલેક્ટ્રોનિક રડાર મારફતે નિષ્ફળ કરી દેવાયા હતા. આનાથી ઇમારતને નજીવું નુકસાન થયું છે.
રશિયન હુમલાની આશંકા વચ્ચે યુક્રેનના ખેરસોન સહિત કેટલાંક શહેરોમાં શુક્રવારથી સોમવાર સુધી 58 કલાક સુધી કર્ફ્યૂ લગાવાયો છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે કહેવામાં આવ્યું છે.
યુરોપની યાત્રાએ પહોંચેલા રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએએ કહ્યું છે કે રશિયાએ લોકોનું સમર્થન હાંસલ કરવા માટે આ ચાલ રમી છે. રશિયાના આરોપના સંબંધમાં યુક્રેન અને અમેરિકાનું માનવું છે કે આ હુમલાના બહાને રશિયા હુમલાને તીવ્ર કરશે.બંને દેશોએ એકબીજા પર યુદ્ધ ભડકાવવાનો આરોપ પણ મૂક્યો છે. કીવમાં અમેરિકન દૂતાવાસે ડ્રોન હુમલા બાદ રશિયન મિસાઇલ હુમલાને લઇને ચેતવણી જારી કરી છે. યુક્રેને રશિયાની અંદર ડ્રોન હુમલાને લઇને કોઇ માહિતી આપી નથી. ડ્રોન હુમલાની જવાબદારી લેવાનો યુક્રેને ઇન્કાર કર્યો છે.