બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનાં હિત માટે સરકાર તરફથી ઘણી જાહેરાતની અપેક્ષાઓ છે. સોનાં,ચાંદી તેમજ પ્લેટીનમ પર અત્યારે આયાત ડ્યૂટીનો દર ઊંચો જોવા મળી રહ્યો છે તેના કારણે દાણચોરી વધી રહી છે. નિકાસકારોની રૂ.500 કરોડથી વધુની કાર્યકારી મૂડી પણ ફસાઈ જતી હોય છે. સરકાર જો આયાત ડ્યૂટી ઘટાડી 4 ટકા કરે તો આ સેકટરને ધણાં લાભો થવાની શક્યતા છે.
ઉપરાંત નિકાસકારો અડધાથી વધુની કાર્યશીલ મૂડીનો વપરાશ કરી શકશે. તેમને આશા છે કે સરકાર SNZના માધ્યમથી રફ ડાયમંડનાં વેચાણને મંજૂરી આપી શકે છે. આ સાથે ભારતીય SME સીધો ઇન્ટરનેશનલ માઇનિંગ કંપનીઓ સાથે વ્યવહાર કરી શકશે. મધ્યસ્થીઓની ભૂમિકા અસ્તિત્વમાં રહેશે નહીં તેમજ દુનિયાભરમાં આપ-લે થતાં રફ ડાયમંડનું ઓછામાં ઓછું 20 ટકા ભારતનાં એસએનઝેડમાં શીફ્ટ થઈ શકે છે. તેના દ્વારા સરકારને વાર્ષિક રૂ.28-30 કરોડની આવક પણ થઇ શકે છે તેમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું.
GJEPCને આશા છે કે સરકાર ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાઇસન્સ ફરી શરુ કરશે. હિરાનાં નિકાસકારોને આફ્રિકાની માઇનિંગ કંપનીઓની ફાયદાકારક નીતિઓનો લાભ મળી શકશે. નિશ્ચિત સીમાથી વધુનું ટર્નઓવર ધરાવતા ભારતીય હિરાનાં નિકાસકારોને નિકાસ ટર્નઓવરના 5 ટકા આયાત કરવાની મંજૂરી મળવી જોઈએ.