ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામમાં સિંહના હુમલાની ઘટના સામે આવી છે. ગામની સીરવાણીયા સીમમાં આવેલી લાલજીભાઈ નરોડીયાની વાડીમાં સિંહે એક રખડતી ગાય પર હુમલો કર્યો છે. આ હુમલામાં ગાયને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના એવા સમયે બની છે જ્યારે હજુ ગુંદાસરાની સીમમાં દીપડો પકડાયાને ગણતરીની કલાકો જ થયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ સિંહ ધારી વિસ્તારમાંથી આવ્યો હોવાનું મનાય છે. વધતી જતી માનવ વસ્તીને કારણે જંગલી પ્રાણીઓ માનવ વસવાટ ધરાવતા વિસ્તારો તરફ આવી રહ્યા છે. આના કારણે પ્રાણીઓ દ્વારા હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સ્થાનિક રહીશો વન વિભાગ પાસેથી ત્વરિત કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. સિંહની હાજરીથી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.