રાજકોટ સિવિલ હોસ્પિટલ પોતાના અંધેર અને અણઘડ વહીવટ માટે ગુજરાતભરમાં કુખ્યાત છે. તબીબી અધિક્ષક જાણે માત્ર ફાઈલો પર સહી જ કરી રહ્યા છે અને દર્દીઓની હાલાકી અને તેમની ચીસો કાને અને આંખે આડી આવતી જ ન હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. આ અંધેર વહીવટનો સૌથી સારો વિકલ્પ સાંસદ રામભાઈ મોકરિયાએ શોધ્યો છે અને તે મામલે તેઓએ સ્થાનિક વહીવટી તંત્રને સૂચન તો કર્યું જ છે સાથે સાથે રાજ્યના આરોગ્ય વિભાગને પણ જાણ કરી ઝડપથી પગલાં લેવાય તે માટે પ્રક્રિયા શરૂ કરી છે.
સાંસદે જણાવ્યું હતું કે, સિવિલમાં સ્કિન બેંકના લોકાર્પણ સમયે વિવિધ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતા તેથી સિવિલમાં સુધાર લાવવા માટે ચર્ચા થઈ હતી. જેને લઈને સૂચન કર્યું છે કે હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન માટે ડેપ્યુટી ક્લેક્ટર કક્ષાની વ્યક્તિની વહીવટદાર તરીકે નિમણૂક થવી જોઇએ. આ નિમણૂકથી નાનામાં નાનીથી માંડી મોટામાં મોટી વહીવટી બાબતો, ક્ષતિઓ નિવારી શકાશે તેમજ સરકારના અન્ય વિભાગો સાથે પણ સંકલન કરી દર્દીઓ માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ આપી શકાશે.