દેશમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. તેના કારણે ડીમેટ ખાતાઓમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારી એટલે કે માર્ચ 2020માં 4.1 કરોડ ડીમેટ ખાતા હતા, જે જુલાઈ 2023માં 200% વધીને 12.3 કરોડ થઈ ગયા. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલનો અંદાજ છે કે 2028 સુધીમાં દેશમાં ડીમેટ ખાતા બમણા થઈને લગભગ 25 કરોડ થઈ જશે.
આ મુજબ આગામી 5 વર્ષમાં દેશની લગભગ 17% વસ્તી પાસે ડીમેટ એકાઉન્ટ હશે.ટેક્નોલોજીના સમયમાં ડિજિટલને વેગ મળી રહ્યો છે જેના કારણે રોકાણકારો માટે રોકાણના અનેક નવા વિકલ્પ સામે આવ્યા છે. કોરોના મહામારી બાદ ઇક્વિટી માર્કેટ પ્રત્યે રોકાણકારોનો ક્રેઝ વધુ વધ્યો હતો. સીધા ઇક્વિટીના બદલે અનેક રોકાણકારો આઇપીઓ દ્વારા આ સેક્ટરમાં રોકાણનો વિકલ્પ અપનાવવાનું શરૂ કર્યું હતું અને છેલ્લા બે વર્ષમાં એસએમઇ અને મેઇન બોર્ડમાં અનેક કંપનીઓ આઇપીઓ યોજી વિસ્તરણ સાથે રોકાણકારોને સારી કમાણીનું માધ્યમ પુરૂ પાડી રહી છે.
મોતીલાલ ઓસ્વાલ વાર્ષિક વૈશ્વિક અહેવાલમાં અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતીયોની બચતમાં થયેલા વધારાથી રિટેલ ઈક્વિટી માર્કેટને ફાયદો થઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી 25 વર્ષમાં દેશની કુલ સ્થાનિક બચત રૂ.8,500 લાખ કરોડને વટાવી જશે. જે છેલ્લા 25 વર્ષમાં તે 998 લાખ કરોડ રૂપિયા રહી છે. અગ્રવાલના જણાવ્યા અનુસાર માર્ચ 2020માં SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા દર મહિને દેશમાં રૂ. 8,600 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.જે જુલાઈ 2023માં તે 77% વધીને 15.2 કરોડ થઈ ગયું છે.