સોશિયલ મીડિયામાં રીલ્સનો ચસકો લાગ્યા બાદ માંજલપુરનાં 62 વર્ષનાં વૃદ્ધા રીલ્સ બનાવતા યુવકના એક તરફી પ્રેમમાં પડ્યાં હતાં. યુવકની રીલ્સ પર લાઈક- કોમેન્ટ ન કરે ત્યાં સુધી વૃદ્ધાને ઊંઘ આવતી ન હતી. જ્યારે કોમેન્ટ કરી હોય તેની સામે યુવકે રિપ્લાય ન આપ્યો હોય તો વૃદ્ધા ડિપ્રેશનમાં આવી જતાં હતાં. માતાની આ દશા જોઈ વ્યથિત પુત્ર-પુત્રવધૂએ તેમના મોબાઈલમાંથી એપ્લિકેશન ડિલીટ કરાવી દેતાં વૃદ્ધાએ જમવાનું છોડી દીધું હતું. ડિપ્રેશનમાં આવી ગયેલી માતા અંગે પુત્રે અભયમની મદદ લેવી પડી હતી.
અભયમની ટીમે જણાવ્યું કે, માંજલપુરમાં રહેતાં 62 વર્ષીય વૃદ્ધા સોશિયલ મીડિયામાં રીલ્સ જોવામાં મોટાભાગનો સમય પસાર કરતાં હતાં. દરમિયાન તેઓને એક યુવકની રીલ્સ ગમવા લાગી હતી. જેથી વૃદ્ધા આ યુવકના જ વીડિયો જોઈને તેના એક તરફી પ્રેમમાં પડ્યાં હતાં. તેમની હાલત એવી થઈ ગઈ હતી કે, આ યુવકની રીલ્સ ન જુએ ત્યાં સુધી ઊંઘ આવતી ન હતી.
જ્યારે રીલ્સ પર લાઈક-કોમેન્ટ કર્યા બાદ સામેથી રિપ્લાય ન મળે તો વૃદ્ધા અકળાઈ જઈ ઘણી વખત ડિપ્રેશનમાં આવી જતાં હતાં. જેથી વૃદ્ધાનાં દીકરા અને વહુએ અભયમની મદદ લીધી હતી. દીકરાએ કહ્યું કે, માતાની આ દશા જોઈ અમે તેમના મોબાઈલમાંથી એપ્લિકેશન ડિલીટ કરી દીધી હતી. જે બાદ તેઓએ જમવાનું બંધ કરી દીધું અને બધા સાથે ઝઘડો કર્યા કરે છે. એપ્લિકેશન મોબાઈલમાં ફરીથી ડાઉનલોડ કરવા વારંવાર જીદ પણ કર્યા કરે છે.