ભારતીય કંપનીઓને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં સહયોગ, વધારાના સુધારા, ટેક્નોલોજીના વધતા વ્યાપને કારણે $5 ટ્રિલિયનના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ થશે તેવો આશાવાદ હોવાનું ડેલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપીના CXO સરવેમાં કહેવામાં આવ્યું છે.
આગામી નાણાકીય વર્ષે બિઝનેસ લીડર્સ મજબૂત આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે ડેલોઇટ અનુસાર 50% ભારતીય કંપનીઓએ નાણાકીય વર્ષ 2025માં ભારત 6.5%થી વધુનો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરશે તેવો આશાવાદ દર્શાવ્યો છે.
દેશના સેક્ટર્સમાં ઓટોમોટિવ (50%), કન્ઝ્યુમર્સ અને રિટેલ (66%), ટેક્નોલોજી, મીડિયા અને ટેલીકોમ્યુનિકેશન (47%) અને એનર્જી, રિસોર્સ અને ઇન્ડસ્ટ્રીયલ્સ (44%) ઉચ્ચ વૃદ્ધિદરનું અનુમાન ધરાવે છે. રિપોર્ટ અનુસાર સરકારી પ્રોત્સાહનો, વેપાર માટેના કરારમાં વધારો, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો અને ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટેની પોલિસી (જેમ કે મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેશન અને ટકાઉ ટેક્નોલોજી માટે રોકાણમાં વૃદ્ધિ) આ મોમેન્ટમને વધુ વેગ આપશે. તદુપરાંત સતત બદલાતી ગ્રાહકોની પસંદગી અને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં મજબૂત માંગથી પણ આ પરિબળને વેગ મળશે.
ભારત ઇનોવેશન અને રિસર્ચના ગ્લોબલ હબ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારનો સહયોગ આર એન્ડ ડીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે, જેમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ ઉપરાંત સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં વિશ્વમાં મોખરાના સ્થાને રહેવાનું પણ લક્ષ્ય છે.