શહેરમાં ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાંથી તસ્કરે દાનપેટી અને રૂમમાંથી રોકડની ચોરી કરી જતા પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે. મોડી રાત્રીના બુકાનીધારી તસ્કર ત્રિકમ સાથે બાજુના મકાનમાંથી આવી ચોરી કરી હતી. અવાજ થતા ચોકીદારે જાગીને દેકારો કરતા તસ્કર દાનપેટીનો ઘા કરી નાસી ગયો હતો.
ચૌધરી હાઇસ્કૂલ પાસેના ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરમાં ચોરી થયાની જાણ થતાં દેરાસરના પ્રમુખ સહિતનાઓ આવીને તપાસ કરતા સીસીટીવીમાં બાજુના અવાવરું મકાનમાંથી મોડી રાત્રીના ધાબળા અને ત્રિકમ સાથે ઘૂસેલા તસ્કરે દાનપેટી તોડી તેમાંથી રોકડની ચોરી કર્યા બાદ મંદિરના રૂમમાંથી રોકડની ચોરી કરી હતી.
દરમિયાન ચોકીદાર મનસુખલાલે જાગીને દેકારો કરતા શખ્સે દાનપેટીનો ઘા કરી નાસી ગયો હોવાનું બહાર આવતા પ્ર.નગર પોલીસે તસ્કરને પકડી લેવા કાર્યવાહી કરી છે. અગાઉ પણ ભાવનગર રોડ પર વ્હોરાના કબ્રસ્તાનમાં મોડી રાત્રે ઘૂસી મઝાર સામે દુવા કરી ત્રિકમ વડે દાનપેટી તોડી રોકડની ચોરી કરી ગયાના થોડા દિવસો બાદ દેરાસરમાં ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.