ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરની કારને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ખાલિસ્તાની સમર્થક જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો પણ ફાડ્યો હતો. જયશંકર હાલ લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ પછી ત્રિરંગો લઈને આવેલી એક વ્યક્તિએ તેમની કારની સામે આવીને રસ્તો રોક્યો હતો. આ દરમિયાન તેણે રાષ્ટ્રધ્વજ ફાડવા જેવું શરમજનક કૃત્ય પણ કર્યું હતું.
આ વ્યક્તિની આ હરકત જોઈને તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા. એક તરફ કેટલાક ખાલિસ્તાન સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ધ્વજ લઈને નારા લગાવી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારતીય સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ લંડનમાં ભારતીયોએ વિરોધપ્રદર્શન કર્યું છે. લોકો બ્રિટિશ સરકાર પાસે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, ભારત સરકાર પણ રાજદ્વારી સ્તરે આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે.