છેતરપિંડીના બનાવોની અરજીને બદલે ફરિયાદ નોંધવાના આદેશને પગલે રાજકોટ પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડીના ત્રણ ગુનાને અંજામ આપનાર દંપતી સહિત છ ચીટર સામે ફરિયાદ નોંધી છે. શેર અપાવી દેવાના બહાને 11 રોકાણકાર પાસેથી રૂ.42.01 લાખની છેતરપિંડી કરનાર દંપતી, આવાસમાં ક્વાર્ટર અપાવી દેવાના બહાને રૂ.90 હજારની અને સારા વ્યાજની લાલચ આપી મંડળીના સંચાલકોએ રૂ.30 લાખની છેતરપિંડી કરી છે.
મંડળી સંચાલકોની 30 લાખની ઠગાઈ
હુડકો ક્વાર્ટરમાં રહેતા મંજુલાબેન રાજેશભાઇ કુકડિયા નામની વિધવાએ નાનામવા રોડ, ધનંજય સાંકેત પાર્કમાં આવેલી ધનંજય નાગરિક ક્રેડિટ કો.ઓ.સોસાયટીના એજન્ટ મયૂર પાંભર, મંડળીના ભાગીદાર ઘનશ્યામ પાંભર, મિલન અને પરેશ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ તેમની મંડળીમાં દૈનિક બચત યોજનામાં રોકાણ કરવાથી સારા વ્યાજની લાલચ આપી હતી. બચત કરેલી રકમના રૂ.28 લાખના ત્રણ ચેક આપ્યા હતા. તેમજ રૂ.2 લાખ રોકડા મયૂર પાંભરને આપ્યા હતા. પરંતુ તે ચેક વસૂલાયા વગર પરત ફર્યા હતા.
દંપતીએ 11 વ્યક્તિને શીશામાં ઉતાર્યા
કેવડાવાડી-17ના વિરેન્દ્રભાઇ જોશીએ દોઢસો ફૂટ રિંગ રોડ, શિવપાર્ક-3ના મનીષ મથુર બરડિયા અને તેની પત્ની સુલ્લભા સામે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મનીષના કહેવાથી તેઓ રોકાણ કરતા હતા. દરમિયાન દંપતીને શેર લેવા માટે રૂ.95 લાખની રકમના બે ચેક આપ્યા હતા. શેર પોતાના ખાતામાં જમા નહિ થતા બેંક પર જઇ તપાસ કરતા તેમને આપેલા બંને ચેક દંપતીએ તેમના એકાઉન્ટમાં જમા કરાવી લીધા હતા. દંપતીએ 11 રોકાણકારના કુલ રૂ.41,01,177 તેમના ખાતામાં જમા કરાવી છેતરપિંડી કરી છે.