ગ્રામીણ વિસ્તારોમાં પડતર અને બિનઉપજાઉ રહેતી જમીનને નવસાધ્ય કરવાની રાજ્યની કામગીરી અંતર્ગત રાજકોટના ગોંડલ તાલુકાના જામવાડી ગામે 1 હેક્ટરમાં નિર્માણ પામેલું "વન કવચ’ થોડા જ સમયમાં હરિયાળીનો પર્યાય બની ગયું છે. માત્ર 8 મહિના જેટલા જ ટૂંકાગાળામાં બંજર જમીન ઉપર હરિયાળી છવાઇ ગઇ છે અને 11 જેટલા છોડ, ૫૧ પ્રકારના વૃક્ષોના ૧૦,૦૦૦થી વધુ ઘટાટોપ વૃક્ષ જુદાજુદા પક્ષીઓના આશ્રયસ્થાન બન્યા છે.
જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનિકરણ પધ્ધતિથી આ વન કવચ તૈયાર કરાયું છે. જિલ્લા નાયબ વન સંરક્ષક તુષાર પટેલના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રાજકોટનો વન વિસ્તાર વધારવા માટે સુપેરે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. વન કવચ વિશે કોટડાસાંગાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી. ડી. અંટાળા જણાવે છે કે, આ ખરાબાની જમીનને સમતલ કરી સાત સ્તરીય પદ્ધતિથી માટી ભરવામાં આવી, જેમાં માટી, કોકોપીટ, છાણીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, લીમડાનું ખાતર વગેરેથી જમીનને સમતોલ પોષણયુકત બનાવવામાં આવી, જેથી છોડની ફળદ્રુપતામાં વધારો થાય.