જર્મનીના બર્લિન શહેરની પ્રસિદ્ધ ટેક્નો ક્લબ બેરગૈનની બહાર દરરોજ સેંકડો લોકો કાળાં કપડાંમાં તૈયાર થઈને એન્ટ્રી માટે રાહ જુએ છે. આ ક્લબ તેની શાનદાર પાર્ટીઓ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીં ઘણી પાર્ટીઓ તો એવી હોય છે જે 2-3 દિવસ સુધી ચાલે છે, પણ સૌથી મોટી વાત એ છે કે અહીંના ક્લબના નિયમ-કાયદા ખૂબ જ સખત છે.
અહીં આવનારાઓને ક્લબમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડથી સંપૂર્ણપણે અલગ રહેવાનું હોય છે. મોટા ભાગની ક્લબમાં ફોટો પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. હકીકતે બર્લિનમાં ક્લબમાં પ્રવેશ કરવા માટે ગેસ્ટે તેના સ્માર્ટફોનના કેમેરાને કવર કરવાનો હોય છે. જર્મનીની ક્લબોની આ નીતિ હવે બર્લિનની બહાર દુનિયાભરમાં ટ્રેન્ડ બની રહી છે.
ક્લબ સંચાલકોનું માનવું છે કે આ રીત તેના ગેસ્ટની પ્રાઇવેસી અને સ્વતંત્રતાના માહોલને જાળવી રાખવા જરૂરી છે. આ નિયમ મહેમાનોને અનધિકૃત ફોટાથી સુરક્ષા આપવા સાથે એક આત્મીય અનુભવને પણ જાળવી રાખે છે. એકવાર જ્યારે કોઈ મહેમાન તેના કેમેરાને ઢાંકી લે છે તો તે કોઈ ચિંતા વિના પાર્ટીનો આનંદ લઈ શકે છે.
બર્લિનની એક ક્લબના સહ-નિર્દેશક ડેનિયલ પ્લાશે કહ્યું આવી નીતિઓની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા દેખાડે છે કે આપણી ક્લબિંગ નીતિ વખાણાય છે. બર્લિનમાં માત્ર ક્લબ નથી, પણ એક ક્લબિંગ સંસ્કૃતિ છે. ડાન્સ ફ્લોરમાં કેટલીક એકતા અને રીતિ-રિવાજ છે, પણ માહોલ ત્યારે ખરાબ થાય છે જ્યારે લોકો ફોનનો ઉપયોગ એવી તસવીરો લેવા માટે કરે છે, જેને પછી ક્યારેય નહીં જુએ. પ્લાશનું કહેવું છે કે ફોટો પાડીને તમે તે ક્ષણને નષ્ટ કરો છો, ભલે તમે તેનું દસ્તાવેજીકરણ કરી રહ્યા હોય.