રાજ્યમાં આ વર્ષ માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકોએ બપોરના સમયે તો બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આજે પણ આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે 12 માર્ચે 9 જિલ્લામાં ઓરેન્જ જ્યારે 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
હજી તો ઉનાળાની શરૂઆત જ છે અને આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની પૂરી શક્યતા છે. ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને લોકોને હીટવેવમાં રાહત મળે તે માટે જરુરી પગલાં લેવાનું શરૂ કર્યું છે.
રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમી લોકોને અકળાવી રહી છે. આજે 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.